આત્માના પ્રભુ સાથે ના મૌન સંવાદને પ્રાર્થના કહેવામાં આવે છે.પ્રાર્થના એ હૃદયનો ખોરાક છે. પ્રાર્થના કર્યા બાદ હૃદય અને આત્મા આનંદથી પુલકિત થઇ જાય છે. અને તો એક ન થાય તો સમજી લેજો કે તમે ખરેખર પ્રાર્થના કરી નથી. કશુંક મેળવવા માટે પ્રાર્થના કરવામાં આવતી નથી.અને તે ઉદ્દેશ્ય થી કરેલી પ્રાર્થના સફળ પણ થતી નથી.કદાચ કોઈ કામ કરવા જઈ રહ્યા હો અથવા કોઈ કસોટી માં પર ઉતારવા માટે પ્રાર્થના કરી રહ્યા હો. પ્રભુ હમેશા તમારી પાસે એવું જ ઈચ્છે છે કે તમે ફક્ત તેમને તે વિષે જણાવી દો. આગળનું તે સાંભળી લેશે. દરેક ધર્મ માં એવું કહેવામાં આવ્યું છે કે પ્રાર્થના દરમિયાન પ્રભુ પાસે કઈ માંગશો નહિ પણ ફક્ત કહો.. " યથા યોગ્યમ તથા કુરુ..." તમારી કોઈ તકલીફમાં તને પ્રાર્થના કરતા હો તો પ્રભુ ને કહો કે "યથા યોગ્યમ તથા કુરુ..." ( જે યોગ્ય હોય તે કરો) કદાચ એમ હોય કે પ્રભુ તમને તકલીફ આપીને વધારે મજબુત બનાવવા માંગતો હોય કે પછી કોઈ સારૂ કામ કરવા જતા હો અને પ્રભુ ને પ્રાર્થના કરતા હો .... પણ ભગવાને તમારા માટે તે કાર્ય માં અસફળતા લખેલી હોય અને તે અસફળતા ને પગથીયું બનાવી ને તમને વધારે સારા કાર્ય માટે તૈયાર કરવા માંગતા હોય.
પ્રાર્થના માટે જયારે શબ્દોની જરૂરિયાત પડે છે ત્યારે માનવી વામણો લાગવા લાગે છે. કારણ કે ત્યારથી અહંભાવ ઉભો થાય છે. ખુબજ જ્ઞાની વ્યક્તિ કે સાધુ વધારે સારા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાર્થના કરી શકે છે. પણ એવું બની શકે કે સમાજનો કોઈ સામાન્ય કે નીચલા સ્તરનો વ્યક્તિ તે જ્ઞાની કરતા વધારે સારી રીતે પ્રાર્થના કરી શકે. તમે પ્રભુ પાસે રજૂઆત કેટલી સારી રીતે કરો છો તે નહિ પરંતુ કેટલા નિખાલસ બનીને કરો છો તે મહત્વનું છે.
"એક ચર્ચ માં એક નાનકડો બાળક પ્રાર્થના કરતો હતો. થોડો સમય પસાર થયો. તો બાળક આંખ બંધ કરીને મશગુલ બનીને પ્રાર્થના કરતો રહ્યો. તેની પ્રાર્થના કરવાની રીત જોઈને તે ચર્ચના પાદરી ને તેને જોવા માં રસ પડ્યો. પાદરી જોતા રહ્યા અંતે તેનાથી બેખબર તે બાળક પ્રાર્થના કરતો રહ્યો.એક સમય એવો આવ્યો કે પાદરી પણ વિચાર કરવા માંડ્યા કે હું આટલો મોટો ધર્મનો જાણકાર છુ પણ આટલી તન્મયતા થી અને પ્રાર્થના નથી કરી શકતો. આટલો નાનો બાળક જે માંડ બોલતા શીખ્યો હશે તે આટલો ઓતપ્રોત થઇ ને કઈ પ્રાર્થના કરતો હશે? તે બાળકે જેવી પ્રાર્થના પૂરી કરી એટલે તે પાદરીએ તેને બોલાવ્યો અને પૂછ્યું :" બેટ્ટા, તું પ્રભુ ને કઈ પ્રાર્થના કરતો હતો?'
બાળક:" મને તો કોઈ પ્રાર્થના આવડતી નથી. મને તો ફક્ત એ,બી,સી,ડી... આવડે છે એટલે હું ભગવાન સામે ૧૫ વખત તે બોલી ગયો અને છેલ્લે કહી દીધું કે ભગવાન તને જે ફાવે તે પ્રાર્થના બનાવી લેજે.. પરંતુ એટલું યાદ રાખજે કે હું તને યાદ કરું છુ...?"
શું આ પ્રાર્થના બીજી કોઈ પણ પ્રાર્થના કરતા ચડિયાતી નથી? શું તેમાં પ્રભુ માટે સૌથી વધારે વિશ્વાસ નથી?
જયારે તમે પ્રભુ ને કોઈ કામ સોપ્યા પછી તેનામાં વિશ્વાસ ગુમાવો છો ત્યારથી પ્રભુ તમારા માં વિશ્વાસ ગુમાવી દે છે. કારણકે પ્રભુ માટે તેના ભક્તો જ સર્વસ્વ છે. નરસિહ મહેતા ના કામ ભગવાન કરી લેતા કારણ કે તે ખરેખર પ્રભુ સમર્પિત જીવન જીવતા હતા અને તેમના સઘળા લૌકિક કામ પ્રભુ ને સોપી દેતા હતા અને એટલે જ તેનો હરિજનવાસ માં ભજન કરતા હોય અને તેમને ઘરે થી લેવા મોકલેલ શાકભાજી પ્રભુ જાતે નરસિહ મહેતા ના સ્વરૂપે તેમના ઘરે પહોચાડી આવતા. શામળશા શેઠ બનીને પ્રભુ તેમની હુંડી પણ સ્વીકારી લેતા. ઉપરાંત તેમની મામેરા જેવા પ્રસંગો ની જરૂરિયાત ને પણ પ્રભુ જ પૂરી કરી હતી.
"એક ધોબી પ્રભુ નો પરમ ભક્ત હતો. કોઈપણ સુખ કે દુ:ખ હોય તે પ્રભુ ની મરજી સમજીને સ્વીકારી લેતો. ધોબીઘાટ પર લોકો તેને હેરાન કરતા. તેના કપડા પાણી માં નાખી દેતા. તેનો સાબુ સંતાડી દેતા. પણ તે હમેશા પ્રભુ પર વિશ્વાસ રાખી ને તેનું કામ કાર્ય કરતો. સમય જતા ભગવાન ને પણ થયું કે આ મારા ભક્ત ને લોકો બહુ હેરાન કરે છે. હવેથી તેને હેરાન કરશે તો મારે જાતે જઈને તેમને પાઠ ભણાવવો પડશે. બીજા દિવસે જયારે તે ધોબી ધોબીઘાટ પર ગયો અને લોકો હેરાન કરવા માંડ્યા .. ભગવાન ઉભા થયા અને જેવા તેમને રોકવા જતા હતા, બરાબર તે જ સમયે તેમની હેરાનગતિથી ત્રાસી ગયેલા ધોબીએ હાથ માં પાયો લીધો અને તેમને મારવા દોડ્યો. અને જેવું ભગવાને તે દ્રશ્ય ભગવાને જોયું કે તરત જ તેઓ ઉભા થયા હતા તે બેસી ગયા."
કહેવાનું તાત્પર્ય એટલું જ કે પ્રભુ સમય આવે તેમના ભક્તો ની પ્રાર્થના સાંભળે જ છે અને જો યોગ્ય હોય તે કરે જ છે .. જરૂરીયાત છે ફક્ત પ્રભુ પર વિશ્વાસ રાખવાની ..