about

Wednesday, February 17, 2010

આ શું છે??? આસ્થા કે અંધશ્રદ્ધા??

"यूँ तो ये श्रद्धा और अंधश्रद्धा का बरसता हुआ गाज है ...
और कुछ नहीं ये अपनी आस्था का कोई अंदाज़ है...
वक्त ही होता है जो. खिंच के ले जाता है..
इसलिए  जहाँ  कल आप थे . वही पर हम आज है "

      દુનિયામાં પ્રશ્ન એવો પણ ઉદભવે છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શું છે? બંને વચ્ચે ફરક શું છે? શું શ્રદ્ધા હોય અને પછી અંધશ્રદ્ધા આવે છે ? કે અંધશ્રદ્ધા હોય પછી શ્રદ્ધા આવે છે? કે પછી શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનું સ્વતંત્ર અસ્તિત્વ છે? જો સ્વતંત્ર અસ્તિત્વ હોય તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત શું છે?  સાચી વાત એ છે કે બંને વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. જેને ઓળખવી જરૂરી હોય છે. આ થઇ તાર્કિક વાત. પરંતુ જયારે એમ બને કે વ્યક્તિ શ્રદ્ધાથી પોતાનું જીવન વ્યતીત કરે અને શ્રદ્ધાના આશરે પોતાના દુ:ખને દુર નાં કરી શકે ત્યારે તે ક્યારે તે પાતળી ભેદરેખા વટાવી ને અંધશ્રદ્ધા તરફ જાય છે તે કદાચ કોઈ સમજી શકતું નથી.  તેના કરતા એવું કહેવું જોઈએ કે તે સમયે કઈ શ્રદ્ધા છે કે કઈ અંધશ્રદ્ધા છે તેને ઓળખવી એ કપરી કામગીરી છે.  અમુક રેશનાલીસ્ટ વ્યક્તિઓ ફક્ત મેડિક્લ સાયન્સમાં વિશ્વાસ રાખે છે. તેમના માટે ભગવાનનું કોઈ અસ્તિત્વ જ્ નથી. તેવી વ્યક્તિઓ માટે મંદિર માં જવું તે જ્ મોટી અંધશ્રદ્ધા છે.  એનો મતલબ એવો નથી કે મેડીકલ સાયન્સમાં ભણેલી વ્યક્તિ એટલેકે ડોક્ટર્સ મંદિર માં નથી જતા. ખરેખર જયારે કપરામાં કપરી કામગીરી કરવામાં આવે ત્યારે ડોક્ટર્સ પણ દર્દીને કહે છે કે દવા અને દુઆ બંને કરો.  અરે કદાચ એવું પણ બને કે તે કામગીરી નિભાવવા માટે તેઓ પણ પ્રભુને પ્રાર્થના કર્તા હોય છે.
       બસ આજ રીતે ક્યારેક એવું બને છે કે પ્રભુમાં શ્રદ્ધા રાખનાર વ્યક્તિ એક એવા વિશ્વ તરફ પરાયણ કરે છે કે જેને પ્રગટ સ્વરૂપે અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. મારો કહેવાનો મતલબ એ જ્ છે કે તે વ્યક્તિ કોઈ પણ જોયા વગર વ્યક્તિપૂજા તરફ આગળ વધે છે. કારણકે એવું બને છે કે તેને પોતાના દુ:ખ દુર કરવા માટે ત્યાં જ એક સહારો નજર આવે છે. કદીક કોઈ ગુરુ પાસે જાય છે.  કોઈ માતાજીના ભુવા પાસે જાય છે. કે બીજો કોઈ રસ્તો અપનાવે છે.  મારી આ વાતને સમર્થન આપવા માટે મારે એક જ ઉદાહરણ આપવું બસ થઇ પડશે.  કે શાસ્ત્રો અનુસાર "સંતોષીમા" નામની કોઈ દેવી જ્ અસ્તિત્વમાં નથી. છતાં પણ "જય સંતોષીમાં" પિક્ચર હિત થયા પછી લગભગ ઘણાબધા ઘરોમાં શુક્રવાર એટલે સંતોશીમાંનો વાર ગણીને પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ પણ રાખવામાં આવે છે. શાસ્ત્રો જે કહે તે પરંતુ જે વ્યક્તિ તેનામાં શ્રદ્ધા રાખે છે તેનું કામ થાય એટલે તે જ્ તેની દેવી બની જાય છે. આ તો થઇ દેવી ની વાત ... પરંતુ ઘણી વાર એવું બને છે કે કોઈ વ્યક્તિ ભૂત અને ભૂવામાં પણ વિશ્વાસ રાખે છે. ભૂવો કહે તેમ વસ્તુઓ લાવીને પછી તેના કહેવા અનુસાર કરે પણ છે. જે વ્યક્તિ નું કામ થાય તેના માટે તે શ્રદ્ધાનો વિષય બની જાય છે.  કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિ કહેવાતી અંધશ્રદ્ધામાં તરબોળ હોય છે તેના માટે તે શ્રદ્ધા જ્ છે.
       આટલી પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એટલું જ્ છે કે આજરોજ મારે એક એવી વ્યક્તિની વાત કરવાની છે કે  જેના દર્શનનો લાભ લેવા માટે  એક  દિવસ માં લગભગ પાંચ થી ૬ લાખ વ્યક્તિઓ એકથી થાય છે. હું ફક્ત વાત નથી કરવાનો આપણે તેની ક્લીપીંગ્સ પણ દેખાડવાનો છું. કારણકે એ જગાની મુલાકાત મેં લીધેલી છે અને સોગંદપૂર્વક કહું છું કે આટલી જંગી મેદની મેં ક્યારેય જોઈ નથી.  તેટલું જ્ નથી હું તો તેમ કહીશ કે તેને માનવ મેદની નહિ પરંતુ માનવ મહેરામણ જ કહેવાય. અને ફક્ત જો કોઈ વ્યક્તિ ને દેવ ગણવા માટે તે કેટલી મેદની એકત્રિત કરી શકે ? તેવું ફક્ત એક જ કારણ હોય  તો હું કહીશ કે આ વ્યક્તિ દેવ ગણાવવી જોઈએ. ( માનવમહેરામણ જોવા અહીં ક્લિક કરો   ). તમે આ જે જગ્યાએ માનવ મહેરામણ ઉમટેલો જોઈ રહ્યા છો તે જગ્યાનું નામ છે આણીયાદ કે જે પંચમહાલ જિલ્લાનું ગોધરા તાલુકાનું એક ગામ છે. શહેરા થી લગભગ ૬ કી.મી. દૂર આવેલા આ ગામમાં દર બુધવારે ( પાંચ બુધવાર સુધી અને આજે તા-૧૭-૦૨-૨૦૧૦ ની રોજ ચોથો બુધવાર છે) આટલી જ સંખ્યામાં લોકો સવારથી ઉમટી પડે છે. કહેવાય છે કે કાલિકા માતાજીના ભક્ત એવા શ્રી ગણેશભાઈ ની મુલાકાત લેવા માટે લોકો આવે છે. કારણ ફક્ત એક જ છે કે અહીં આવનાર વ્યક્તિઓ ખુબ જ્ દુખી હોય છે. અને જે લોકો અહીં કતારબદ્ધ બેઠા હોય તેમની ઉપર શ્રી ગણેશભાઈ આવી ને તેમની કાળી ચાદર ફેરવે છે અને જે વ્યક્તિનાં ઉપરથી તે ચાદર પસાર થાય તેની શારીરિક તકલીફો દુર થઇ જાય છે.   સાવ અપંગ કે કુદરતી ખોડખાંપણ વાળા વ્યક્તિઓની અહીં વાત નથી. પરંતું ત્યાં આવનાર વ્યક્તિઓના કિસ્સામાં ઘણી વ્યક્તિઓની શારીરિક તકલીફો દુર થઇ છે તે નજરે જોયેલ હકીકત છે. મેં જોયું છે એટલે વાંચનારે માની લેવું તેવું કહેવાનો મારો આશય પણ નથી. પરંતુ ઘણા સમયથી તકલીફોથી પીડાતી વ્યક્તિઓ માટે આ એક આશાનું કિરણ છે તે હકીકત છે.  તકલીફો દૂર થયેલી વ્યક્તિઓની વાત કરું તો ત્યાં અમારી હાજરીમાં કોઈ જીલ્લાના D.S.P.ના માણસો તેમની પાસેથી નારિયેળ લેવા આવ્યા હતા અને તેમને સ્વીકાર્યું કે તેમના સાહેબ લગભગ ૬ વર્ષથી તકલીફથી પીડાતા હતા. ઉપરાંત તે જ્ દિવસે એક વ્યક્તિ તેની માલિકીની ૧૦ વીઘા જમીન તેના નકશા સાથે દાનમાં આપી ગયા કારણકે તેમના પુત્રની શારીરિક તકલીફ દૂર થઇ ગયી હતી. અને તે જમીન દાનમાં મળતા જ શ્રી ગણેશભાઈએ ત્યાં લગભગ ૧૦૦૦૦ ગયો માટે ગૌશાળા બાંધવાની જાહેરાત પણ કરી દીધી.
       ત્યાં જનાર વ્યક્તિએ ત્યાંથી ફક્ત ૨ નાળીયેર લેવાના હોય છે અને ત્યાં બેસવાનું હોય છે. દરેક નાં વારા પ્રમાણે  ( અહીં ક્લિક કરો  ) શ્રી ગણેશભાઈ આવીને તેમના પરથી ચાદર ફેરવે છે. જે વ્યક્તિ પરથી ચાદર ફરે તેમણે ઉભા થઇને મંડપથી દૂર આવેલા હવન કુંડ માં એક નાળીયેર પધરાવી તે કુંડની ૫ વખત પ્રદક્ષિણા કરવાની હોય છે. અને પછી બીજું નાળીયેર લઈને પરત આવવાનું  હોય છે. આ રીતે દર અઠવાડીયે એક વાર તેમ પાંચ વાર જવાનું હોય છે. ઘરે જે ૫ નાળીયેર ભેગા થાય તેનો ત્યાંથી સુચના મળે તે મુજબ હવન કરી હોમવાના હોય છે. શ્રી ગણેશભાઈ દરરોજ જુદી જુદી જગ્યાએ જાય છે અને ત્યાં આટલી જ્ સંખ્યામાં મેદની ઉમટે છે. એક વાત ચોક્કસ છે કે તેઓ ચોક્કસ કરેલા વારે ચોક્કસ કરેલ જગ્યાએ ૫ વાખત જાય છે. અને મુખ્ય વાત એ છે કે આના માટે કોઈ વ્યક્તિએ કોઈ  ચાર્જ  આપવાનો હોતો નથી. કદાચ જોઈ પોતાની જાતે આપે તે વસ્તુ અલગ છે. અને કોઈ વ્યક્તિ ની લાગવગ ચલાવવામાં આવતી નથી. દરેક વ્યક્તિએ લાઈન માં જ્ બેસવાનું હોય છે અને પોતાના વારાની રાહ જોવાની હોય છે. એવું કહેવાય છે કે ઘણા લોકો રાતથી જ્ આવીને ત્યાં બેસી જાય છે. અને આ પ્રોસેસ બપોરે ૧૨ વાગ્યાથી શરુ થઇ ને રાતના ૨ વાગ્યા સુધી ચાલે છે.  અહીં આવનાર દરેક  પોતાનું દુ:ખ દૂર થશે તેમ સંતોષ માનીને ઘરે પણ જાય છે.

આ સાથે આપેલ લીંક જો આપ ન જોઈ શકો તો આજ બ્લોગ માં વીડીઓ ફૂટેજ સ્વરૂપે ક્લીપીંગ્સ મૂકી રહ્યો છું  જે આપ નિહાળશો. ઉપરાંત મારી એક નમ્ર વિનંતી છે કે જેવો આ વસ્તુ માં માનતા નથી તેઓ આને મજાકનું સાધન ન બનાવશો. મારે આ વસ્તુ બ્લોગ પર પોસ્ટ સ્વરૂપે મુકવા પાછળ ફક્ત બે જ્ કારણ છે. એક કે જેમ કોઈ વ્યક્તિ તણખલાના સથવારે ભવસાગર તરી જાય તેમ આ જગ્યાની મુલાકાત લઈને કદાચ જીન્દગીભરની તકલીફમાંથી મુક્ત થઇ શકે. અને બીજું કારણ એ છે કે હું દ્રઢપણે માનું છું કે આટલો બધો માનવમહેરામણ નિયમિત રીતે કોઈ વ્યક્તિ એકત્રિત કરી શકે તેવો આ કદાચ આ પહેલો પ્રસંગ હશે. કારણકે મુંબઈમાં ગણેશ વિસર્જન નિમિત્તે માનવમહેરામણ ઉમટે જ છે . જે વ્યક્તિ એકદમ રેશનાલીસ્ટ છે તેમના માટે પણ "એક જ દિવસમાં ઉમટતી ૮ થી ૧૦ લાખની મેદની"ને જોવા માટે જવા જેવું ખરું. કારણકે અહીં લોકોને ફક્ત ભગવાન દેખાડવાની વાત નથી પરંતુ તેમની શારીરિક તકલીફ દૂર કરવાની પણ વાત છે.  અને હા એક વાત કહેવાનું રહી જ્ ગયી ... અહી આવનાર વ્યક્તિ માટે દારૂ નિષેધ છે. સ્ટેજ પરથી જ પ્રોગ્રામ શરુ થતા જ તેવી સુચના આપવામાં આવે છે કે દારૂ પીને ત્યાં કોઈએ બેસવું નહિ...
           આ તો ફક્ત અને ફક્ત શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ની ભેદરેખાની વાત છે. જે બહારની જુએ તેના માટે અંધશ્રદ્ધા........ નહિ તો .. " મહી પડે તે મહાસુખ પામે"...
      





No comments:

Post a Comment