about

Saturday, February 20, 2010

તાર્કિક રીતે કે સાત્વિક રીતે......... પણ અમે ઉમરેઠ આવી ગયા........

વાત મારા વિવાહ થયા તે સમયની છે.. પરંતુ જયારે તમારી પાસે પ્રભુના પરચાની વાતો થઇ હોય ત્યારે આ વાતનો ઉલ્લેખ ના કરુ તો તે વાત અધૂરી રહે. અને આ એટલા માટે જાણવું છું કે આ મારો પોતાનો અનુભવ છે. જેને તાર્કિક અને ધાર્મિક બંને રીતે મૂલવવામાં આવે તો બંને રીતે સમજી શકાય તેવું છે. આ અનુભવ વિષે જાણું તે પહેલા એક સાંભળેલી વાત જણાવું.

એક નાવમાં સ્વામી વિવેકાનંદ અને તેમના શિષ્યો તથા બીજા યાત્રિકો મુસાફરી કરી રહ્યા હતા. લગભગ નાવ મધદરિયે હતી. અચાનક દરિયા માં તોફાન આવ્યું અને દરેક વ્યકતી ગભરાઈ ગયા. દરેક નાં હૃદય માં થડકાર હતો કે બસ આજે તો ગયા......
અચાનક સ્વામી વિવેકાનંદે દરેક ને કહયુ કે .:" દરેક જણ શાંતિથી પોતપોતાની જગ્યાએ બેસી જાઓ અને પ્રભુનું સ્મરણ કરો."
ભગવા કપડા જોઈને દરેક ને તેમના પર વિશ્વાસ બેઠો અને દરેકે તેમના આદેશાનુસાર પોતાનું સ્થાન ગ્રહણ કરીને પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ કર્યું. અને આ બાજુ તોફાન શમી ગયું અને પછી તે નાવ પણ બચી ગઈ અને દરેકે પોતાની યાત્રા સુખરૂપ પૂર્ણ કરી પોતપોતાના ગૃહે પ્રયાણ કર્યું.  દરેક જતી વખતે સ્વામી વિવેકાનંદ નો આભાર માનતા ગયા. 
એક શિષ્યે સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી આપની કૃપાદ્રષ્ટિનાં કારણે બધા બચી ગયા."
ભારતનો દરેક વ્યક્તિ જાણે છે  કે સ્વામીજી જાતે કોઈ ચમત્કારમાં માનતા નહોતા.
તેમણે કહ્યું :" ખરેખર કોઈ ચમત્કાર થયો નથી. આ જે થયું તે દરેકની  શ્રદ્ધા અને શિસ્તના કારણે થયું છે." શિષ્યોને પુછુ :" કેવી રીતે?"
સ્વામીજી:" બેટા , દરિયામાં તોફાન થયું હતું . પણ એટલું બધુ ભયાનક નહોતું કે તેનાથી ડરી જવાય. પરંતુ બધા હાફળાફાફળા થઇ ગયા અને ઉભા થઇ ગયા એટલે નાવનું બેલેન્સ હાલકડોલક થઇ ગયું. મેં તેમને પ્રભુમાં શ્રદ્ધામાં રાખીને પોતાની જગ્યાએ બેસવા કહ્યું. દરેક જણ શિસ્ત જાળવીને બેસી પણ ગયા. એટલે નાવનું બેલેન્સ જળવાઈ ગયું. અને પછી બધાએ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ કર્યું. તેથી દરેકનું મન પણ શાંત થઇ ગયું અને બધા તે શ્રદ્ધાના સહારે બેસી રહ્યા. જે નાવને તોફાનમાંથી બહાર નીકળવામાં કામમાં આવ્યું. અને પછી તો જે થયું તેમાં થોડો શ્રદ્ધાનો પણ વિષય રહ્યો. અને બસ... કામ પાર પડી ગયું."

બસ આજ વાત છે . વિજ્ઞાન એમ કહેશે કે બધા બેસી ગયા અને શિસ્ત પણ જાળવી એટલે બેલેન્સ જળવાયું એટલે નાવ બચી ગયી. પરંતુ ધર્મ એમ કહેશે કે " ના, આ તો પ્રભુ કૃપાની વાત છે. બધા બેસી તો ગયા પરંતુ તો સમુદ્રી તોફાન વધારે ભયાનક બન્યું હોત તો?  તેવું નાં બન્યું કારણકે દરેકે શ્રદ્ધાથી પ્રભુની શરણમા જઈને જીવન બચાવવા પ્રાર્થના કરી. એટલે પ્રાર્થના નાં કારણે જ્ બધા બચ્યા." પરંતુ જે હોય તે પણ સાત્વિક કે તાત્વિક ગમે તે રીતે વિચારો, પરંતુ એક હકીકત છે કે બધાના જીવ બચી ગયા.
અને આવો જ એક અનુભવ મારા જીવનનો પણ છે .. જેને સાત્વિક અને તાત્વિક બંને રીતે વિચારો તો બંને વિચારધારા સાચી લાગે.

       મારા એન્ગેજમેન્ટ થયા હતા અને અમારું ફેમીલી દ્વારકાધીશજીના દર્શન માટે દ્વારકા મુકામે ગયા હતા.હું મુમ્મી-પપ્પા, રચના અને અમારો તે વખતનો વિશ્વાસુ ડ્રાઈવર દિનેશ. અમારી પાસે ફિયાટ ગાડી હતી અને તે લઈને અમે દ્વારકા ગયા હતા. રાજકોટ , સોમનાથ વગેરે જગ્યાએ ગયા પછી અમે દ્વારકા ગયા. અને ઉમરેઠ આવવાને લગભગ ૬ કલાક બાકી હતા. સાંજના ૭-૦૦ વાગ્યા હતા. અને શું થયું ખબર નહિ પણ અચાનક ગાડીની હેડલાઈટ બંધ થઇ ગયી. ૭-૦૦ વાગ્યા પછી તો એકદમ અંધારું થઇ ગયું. અમારા બધાના શ્વાસ થંભી ગયા. કારણકે ફેમીલી સાથે હોવાથી અમારે રસ્તામાં ઉભા રહી શકાય તેમ હતું નહી. અને લાઈટ રીપેર કરવા માટે અમારે કોઈ મોટા સ્થળે રાત્રીરોકાણ કરવું પડે અને તેના માટે અમારે ત્યાં પહોચવું જરૂરી હતું. અને તે માટે અમારો ડ્રાઈવર દિનેશ ત્યાંથી પસાર થતી ગાડી ની લાઈટ નાં સહારે ગાડી ચલાવી રહ્યો હતો. અને લગભગ ૮૦-૯૦ કી.મી.ની ઝડપે કારણકે તે ગાડીની ઝડપ તેટલી જ્ હતી.  અચાનક મેં અને રચનાએ એક ટેક લીધી . " કે જો આપણે સુખરૂપ ઉમરેઠ પહોચી જઈએ તો ડાકોર રણછોડજીના દર્શન કર્યા વગર એકબીજાને સ્પર્શ કરવો નહિ. " અને તમે નહિ માનો... ખરેખર જેવી અમે ટેક લીધી કે તરત જ હેડલાઈટ ચાલુ થઇ ગયી. 
આ વાત એટલા માટે કહી રહ્યો છું કે મને બરાબર યાદ છે . અમે જેવું વાક્ય પૂર્ણ કર્યું કે તરત જ લાઈટ ચાલુ થઇ ગયી. અમે રાત્રે ૨-૦૦ વાગે ઘરે આવ્યા હતા પરંતુ સવારે વહેલા ઉઠીને પહેલા રણછોડજીના મંગલાનાં દર્શન કરી આવ્યા. કારણકે હૃદય કહેતું હતું કે ભલે આ કામ મશીનરી ને લગતું હોય પરંતુ પ્રભુકૃપા વગર તે શક્ય નહોતું.


પરંતુ...

જે લોકો મશીનરી નાં જાણકાર છે તેઓને ખબર પડી ગઈ હશે કે અમારી ગાડીની હેડલાઈટ કેમ ચાલુ થઇ ગઈ?  ધર્મ તેને ભગવદ્કૃપા ગણે પરંતુ તાર્કિક રીતે ગણો તો તેનો ખુલાસો આ પ્રમાણે પણ થઇ શકે...
પહેલા ની ગાડી માં ડાયનેમો આવતો હતો . જેના પર ગાડીની ઈલેટરિક    સિસ્ટમ નો આધાર રહેતો. અને તેને ચાર્જ પણ કરવો પડતો. જેમ ગાડી ચાલે તેમ બેટરી નાં સપોર્ટથી તે ચાર્જ થતો. તેના માટે ગાડી લગભગ ૬૦-૭૦ કી.મી.ની ઝડપે ચાલે તો વધારે સારી રીતે ચાર્જ થાય તેમ કહેવાતું.  હવે બન્યું એવું કે દિનેશે ગાડીને બીજાની ગાડીની હેડલાઈટના આધારે ચલાવવા માટે લગભગ ૮૦-૯૦ કી.મી.ની સ્પીડે ચલાવી. અને ડાયનેમો ચાર્જ થવા લાગ્યો. સ્પીડ વધારે હતી તેથી તે જલ્દી ચાર્જ થયો. અને મેં અને રચનાએ તે જ્ સમયે ટેક લીધી. તે દરમિયાન ડાયનેમો ચાર્જ થઇ ગયો . અને તરત જ્ લાઈટ ચાલુ થઇ ગયી.
જે હોય તે... પરંતુ પ્રભુનું નામ લેતા જ આપણું  કામ થઇ ગયું બસ એ જ્ વાત પ્રભુ પર વિશ્વાસ અપાવવા માટે પુરતી છે. કારણકે ભલે દુનિયા ની કોઈ પણ સિસ્ટમ હોય પરંતુ તે આખરે તો તેને જ આધીન છે... બસ ..... પ્રભુજી આપ  અમારો આપનામાં વિશ્વાસ આમ જ બનાવી રાખશો. કારણકે અમે તમારામાંથી  વિશ્વાસ ગુમાવીશું તો તમને કોઈ ફરક નહિ પડે. જે નુકસાન થશે તે અમારું જ થશે... એટલે ફરીથી પ્રભુ ને તેમની શરણમાં રાખવાની પ્રાર્થના કરતાં  ..  વિરામ લઉં છું... આભાર ...

જય શ્રી કૃષ્ણ..

Wednesday, February 17, 2010

આ શું છે??? આસ્થા કે અંધશ્રદ્ધા??

"यूँ तो ये श्रद्धा और अंधश्रद्धा का बरसता हुआ गाज है ...
और कुछ नहीं ये अपनी आस्था का कोई अंदाज़ है...
वक्त ही होता है जो. खिंच के ले जाता है..
इसलिए  जहाँ  कल आप थे . वही पर हम आज है "

      દુનિયામાં પ્રશ્ન એવો પણ ઉદભવે છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શું છે? બંને વચ્ચે ફરક શું છે? શું શ્રદ્ધા હોય અને પછી અંધશ્રદ્ધા આવે છે ? કે અંધશ્રદ્ધા હોય પછી શ્રદ્ધા આવે છે? કે પછી શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનું સ્વતંત્ર અસ્તિત્વ છે? જો સ્વતંત્ર અસ્તિત્વ હોય તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત શું છે?  સાચી વાત એ છે કે બંને વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. જેને ઓળખવી જરૂરી હોય છે. આ થઇ તાર્કિક વાત. પરંતુ જયારે એમ બને કે વ્યક્તિ શ્રદ્ધાથી પોતાનું જીવન વ્યતીત કરે અને શ્રદ્ધાના આશરે પોતાના દુ:ખને દુર નાં કરી શકે ત્યારે તે ક્યારે તે પાતળી ભેદરેખા વટાવી ને અંધશ્રદ્ધા તરફ જાય છે તે કદાચ કોઈ સમજી શકતું નથી.  તેના કરતા એવું કહેવું જોઈએ કે તે સમયે કઈ શ્રદ્ધા છે કે કઈ અંધશ્રદ્ધા છે તેને ઓળખવી એ કપરી કામગીરી છે.  અમુક રેશનાલીસ્ટ વ્યક્તિઓ ફક્ત મેડિક્લ સાયન્સમાં વિશ્વાસ રાખે છે. તેમના માટે ભગવાનનું કોઈ અસ્તિત્વ જ્ નથી. તેવી વ્યક્તિઓ માટે મંદિર માં જવું તે જ્ મોટી અંધશ્રદ્ધા છે.  એનો મતલબ એવો નથી કે મેડીકલ સાયન્સમાં ભણેલી વ્યક્તિ એટલેકે ડોક્ટર્સ મંદિર માં નથી જતા. ખરેખર જયારે કપરામાં કપરી કામગીરી કરવામાં આવે ત્યારે ડોક્ટર્સ પણ દર્દીને કહે છે કે દવા અને દુઆ બંને કરો.  અરે કદાચ એવું પણ બને કે તે કામગીરી નિભાવવા માટે તેઓ પણ પ્રભુને પ્રાર્થના કર્તા હોય છે.
       બસ આજ રીતે ક્યારેક એવું બને છે કે પ્રભુમાં શ્રદ્ધા રાખનાર વ્યક્તિ એક એવા વિશ્વ તરફ પરાયણ કરે છે કે જેને પ્રગટ સ્વરૂપે અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. મારો કહેવાનો મતલબ એ જ્ છે કે તે વ્યક્તિ કોઈ પણ જોયા વગર વ્યક્તિપૂજા તરફ આગળ વધે છે. કારણકે એવું બને છે કે તેને પોતાના દુ:ખ દુર કરવા માટે ત્યાં જ એક સહારો નજર આવે છે. કદીક કોઈ ગુરુ પાસે જાય છે.  કોઈ માતાજીના ભુવા પાસે જાય છે. કે બીજો કોઈ રસ્તો અપનાવે છે.  મારી આ વાતને સમર્થન આપવા માટે મારે એક જ ઉદાહરણ આપવું બસ થઇ પડશે.  કે શાસ્ત્રો અનુસાર "સંતોષીમા" નામની કોઈ દેવી જ્ અસ્તિત્વમાં નથી. છતાં પણ "જય સંતોષીમાં" પિક્ચર હિત થયા પછી લગભગ ઘણાબધા ઘરોમાં શુક્રવાર એટલે સંતોશીમાંનો વાર ગણીને પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ પણ રાખવામાં આવે છે. શાસ્ત્રો જે કહે તે પરંતુ જે વ્યક્તિ તેનામાં શ્રદ્ધા રાખે છે તેનું કામ થાય એટલે તે જ્ તેની દેવી બની જાય છે. આ તો થઇ દેવી ની વાત ... પરંતુ ઘણી વાર એવું બને છે કે કોઈ વ્યક્તિ ભૂત અને ભૂવામાં પણ વિશ્વાસ રાખે છે. ભૂવો કહે તેમ વસ્તુઓ લાવીને પછી તેના કહેવા અનુસાર કરે પણ છે. જે વ્યક્તિ નું કામ થાય તેના માટે તે શ્રદ્ધાનો વિષય બની જાય છે.  કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિ કહેવાતી અંધશ્રદ્ધામાં તરબોળ હોય છે તેના માટે તે શ્રદ્ધા જ્ છે.
       આટલી પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એટલું જ્ છે કે આજરોજ મારે એક એવી વ્યક્તિની વાત કરવાની છે કે  જેના દર્શનનો લાભ લેવા માટે  એક  દિવસ માં લગભગ પાંચ થી ૬ લાખ વ્યક્તિઓ એકથી થાય છે. હું ફક્ત વાત નથી કરવાનો આપણે તેની ક્લીપીંગ્સ પણ દેખાડવાનો છું. કારણકે એ જગાની મુલાકાત મેં લીધેલી છે અને સોગંદપૂર્વક કહું છું કે આટલી જંગી મેદની મેં ક્યારેય જોઈ નથી.  તેટલું જ્ નથી હું તો તેમ કહીશ કે તેને માનવ મેદની નહિ પરંતુ માનવ મહેરામણ જ કહેવાય. અને ફક્ત જો કોઈ વ્યક્તિ ને દેવ ગણવા માટે તે કેટલી મેદની એકત્રિત કરી શકે ? તેવું ફક્ત એક જ કારણ હોય  તો હું કહીશ કે આ વ્યક્તિ દેવ ગણાવવી જોઈએ. ( માનવમહેરામણ જોવા અહીં ક્લિક કરો   ). તમે આ જે જગ્યાએ માનવ મહેરામણ ઉમટેલો જોઈ રહ્યા છો તે જગ્યાનું નામ છે આણીયાદ કે જે પંચમહાલ જિલ્લાનું ગોધરા તાલુકાનું એક ગામ છે. શહેરા થી લગભગ ૬ કી.મી. દૂર આવેલા આ ગામમાં દર બુધવારે ( પાંચ બુધવાર સુધી અને આજે તા-૧૭-૦૨-૨૦૧૦ ની રોજ ચોથો બુધવાર છે) આટલી જ સંખ્યામાં લોકો સવારથી ઉમટી પડે છે. કહેવાય છે કે કાલિકા માતાજીના ભક્ત એવા શ્રી ગણેશભાઈ ની મુલાકાત લેવા માટે લોકો આવે છે. કારણ ફક્ત એક જ છે કે અહીં આવનાર વ્યક્તિઓ ખુબ જ્ દુખી હોય છે. અને જે લોકો અહીં કતારબદ્ધ બેઠા હોય તેમની ઉપર શ્રી ગણેશભાઈ આવી ને તેમની કાળી ચાદર ફેરવે છે અને જે વ્યક્તિનાં ઉપરથી તે ચાદર પસાર થાય તેની શારીરિક તકલીફો દુર થઇ જાય છે.   સાવ અપંગ કે કુદરતી ખોડખાંપણ વાળા વ્યક્તિઓની અહીં વાત નથી. પરંતું ત્યાં આવનાર વ્યક્તિઓના કિસ્સામાં ઘણી વ્યક્તિઓની શારીરિક તકલીફો દુર થઇ છે તે નજરે જોયેલ હકીકત છે. મેં જોયું છે એટલે વાંચનારે માની લેવું તેવું કહેવાનો મારો આશય પણ નથી. પરંતુ ઘણા સમયથી તકલીફોથી પીડાતી વ્યક્તિઓ માટે આ એક આશાનું કિરણ છે તે હકીકત છે.  તકલીફો દૂર થયેલી વ્યક્તિઓની વાત કરું તો ત્યાં અમારી હાજરીમાં કોઈ જીલ્લાના D.S.P.ના માણસો તેમની પાસેથી નારિયેળ લેવા આવ્યા હતા અને તેમને સ્વીકાર્યું કે તેમના સાહેબ લગભગ ૬ વર્ષથી તકલીફથી પીડાતા હતા. ઉપરાંત તે જ્ દિવસે એક વ્યક્તિ તેની માલિકીની ૧૦ વીઘા જમીન તેના નકશા સાથે દાનમાં આપી ગયા કારણકે તેમના પુત્રની શારીરિક તકલીફ દૂર થઇ ગયી હતી. અને તે જમીન દાનમાં મળતા જ શ્રી ગણેશભાઈએ ત્યાં લગભગ ૧૦૦૦૦ ગયો માટે ગૌશાળા બાંધવાની જાહેરાત પણ કરી દીધી.
       ત્યાં જનાર વ્યક્તિએ ત્યાંથી ફક્ત ૨ નાળીયેર લેવાના હોય છે અને ત્યાં બેસવાનું હોય છે. દરેક નાં વારા પ્રમાણે  ( અહીં ક્લિક કરો  ) શ્રી ગણેશભાઈ આવીને તેમના પરથી ચાદર ફેરવે છે. જે વ્યક્તિ પરથી ચાદર ફરે તેમણે ઉભા થઇને મંડપથી દૂર આવેલા હવન કુંડ માં એક નાળીયેર પધરાવી તે કુંડની ૫ વખત પ્રદક્ષિણા કરવાની હોય છે. અને પછી બીજું નાળીયેર લઈને પરત આવવાનું  હોય છે. આ રીતે દર અઠવાડીયે એક વાર તેમ પાંચ વાર જવાનું હોય છે. ઘરે જે ૫ નાળીયેર ભેગા થાય તેનો ત્યાંથી સુચના મળે તે મુજબ હવન કરી હોમવાના હોય છે. શ્રી ગણેશભાઈ દરરોજ જુદી જુદી જગ્યાએ જાય છે અને ત્યાં આટલી જ્ સંખ્યામાં મેદની ઉમટે છે. એક વાત ચોક્કસ છે કે તેઓ ચોક્કસ કરેલા વારે ચોક્કસ કરેલ જગ્યાએ ૫ વાખત જાય છે. અને મુખ્ય વાત એ છે કે આના માટે કોઈ વ્યક્તિએ કોઈ  ચાર્જ  આપવાનો હોતો નથી. કદાચ જોઈ પોતાની જાતે આપે તે વસ્તુ અલગ છે. અને કોઈ વ્યક્તિ ની લાગવગ ચલાવવામાં આવતી નથી. દરેક વ્યક્તિએ લાઈન માં જ્ બેસવાનું હોય છે અને પોતાના વારાની રાહ જોવાની હોય છે. એવું કહેવાય છે કે ઘણા લોકો રાતથી જ્ આવીને ત્યાં બેસી જાય છે. અને આ પ્રોસેસ બપોરે ૧૨ વાગ્યાથી શરુ થઇ ને રાતના ૨ વાગ્યા સુધી ચાલે છે.  અહીં આવનાર દરેક  પોતાનું દુ:ખ દૂર થશે તેમ સંતોષ માનીને ઘરે પણ જાય છે.

આ સાથે આપેલ લીંક જો આપ ન જોઈ શકો તો આજ બ્લોગ માં વીડીઓ ફૂટેજ સ્વરૂપે ક્લીપીંગ્સ મૂકી રહ્યો છું  જે આપ નિહાળશો. ઉપરાંત મારી એક નમ્ર વિનંતી છે કે જેવો આ વસ્તુ માં માનતા નથી તેઓ આને મજાકનું સાધન ન બનાવશો. મારે આ વસ્તુ બ્લોગ પર પોસ્ટ સ્વરૂપે મુકવા પાછળ ફક્ત બે જ્ કારણ છે. એક કે જેમ કોઈ વ્યક્તિ તણખલાના સથવારે ભવસાગર તરી જાય તેમ આ જગ્યાની મુલાકાત લઈને કદાચ જીન્દગીભરની તકલીફમાંથી મુક્ત થઇ શકે. અને બીજું કારણ એ છે કે હું દ્રઢપણે માનું છું કે આટલો બધો માનવમહેરામણ નિયમિત રીતે કોઈ વ્યક્તિ એકત્રિત કરી શકે તેવો આ કદાચ આ પહેલો પ્રસંગ હશે. કારણકે મુંબઈમાં ગણેશ વિસર્જન નિમિત્તે માનવમહેરામણ ઉમટે જ છે . જે વ્યક્તિ એકદમ રેશનાલીસ્ટ છે તેમના માટે પણ "એક જ દિવસમાં ઉમટતી ૮ થી ૧૦ લાખની મેદની"ને જોવા માટે જવા જેવું ખરું. કારણકે અહીં લોકોને ફક્ત ભગવાન દેખાડવાની વાત નથી પરંતુ તેમની શારીરિક તકલીફ દૂર કરવાની પણ વાત છે.  અને હા એક વાત કહેવાનું રહી જ્ ગયી ... અહી આવનાર વ્યક્તિ માટે દારૂ નિષેધ છે. સ્ટેજ પરથી જ પ્રોગ્રામ શરુ થતા જ તેવી સુચના આપવામાં આવે છે કે દારૂ પીને ત્યાં કોઈએ બેસવું નહિ...
           આ તો ફક્ત અને ફક્ત શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ની ભેદરેખાની વાત છે. જે બહારની જુએ તેના માટે અંધશ્રદ્ધા........ નહિ તો .. " મહી પડે તે મહાસુખ પામે"...
      





Tuesday, February 2, 2010

કોની પાસેથી શું લેવું તે ઠાકોરજી ની ઈચ્છા..... બધું ઠાકોરજી નું છે...

તમારો વિશ્વાસ પ્રભુ પર હશે તે તમારા લાભ માં છે નહિ કે પ્રભુના ...તમને પ્રભુ પર વિશ્વાસ હોય કે ના હોય પ્રભુને કોઈ ફરક પડતો નથી. પણ તેનામાં વિશ્વાસ રાખનાર ને પ્રભુનું સંરક્ષણ કવચ મળે છે તે ચોક્કસ છે. તમે નાસ્તિક હો તો પણ તે તમને જન્મ તો આપે જ છે અને તમારું પાલનપોષણ પણ કરે છે. તમે પ્રભુ ને નહિ માનીને તેની હસ્તીને મિટાવી શકવાના નથી.



"એક ગામમાં ધોધમાર વર્ષા થઇ રહી હતી. આખા ગામના લોકો પોતાનો સર સમાન તથા ઘરવખરી ગુમાવી બેઠા હતા. પોતાના કાચા મકાનો તૂટી જવાથી નિરાધાર બની ગયા હતા. તે ગામમાં એક ધર્મસ્થાન હતું જે લોકોના ફંડફાળાથી ઇત અને સિમેન્ટનું બનેલું હતું. ખુબ વિશાળ જગ્યા હોવાથી ગામના લોકો ત્યાં આશરો લેવા ગયા હતા. તે ધર્માંસ્થાનના મહંત પણ સૌને આવકાર આપી ને આશ્રય આપતા હતા. ગામના બધા લોકો આવી જવાથી અંદર જગા રહી ન હતી. અને અચાનક કોઈએ બારણુ ખખડાવ્યું . ખોલી ને જોયું તો તે ગામનો સૌથી ખરાબ વ્યક્તિ હતો. જે એકદમ આસન અસસ્કારી  હતો જીન્દગીમાં પ્રથમ વાર મંદિર માં આવ્યો હતો અને તે પણ  પોતાનો જીવ બચાવવા માટે. ગામના સૌ લોકો બોલી ઉઠયા :" આને અંદર  પ્રવેશવાનો કોઈ અધિકાર નથી. પોતાનો જીવ બચાવવાનો છે એટલે તે મંદિર માં આવ્યો છે નહિ તો કોઈ દિવસ આવતો નથી. અને ના જાણે તેને કેટકેટલા પાપ પર્યા છે. મરી જવા દો  તેને બહાર." મહંત પણ દરવાજો બંધ કરવાની તૈયારી માં હતો અને અચાનક આકાશવાણી થઇ       " અરે ગામવાસીઓ તમને તો થોડા સમયથી ખબર છે કે તે નાસ્તિક અને પાપી છે પરંતુ મને તો તેના જન્મથી ખબર છે કે એકદમ ખરાબ સંસ્કાર ધરાવતો અને પાપી બનવાનો છે. અને તો પણ હું તેને મારા આ સંસાર માં રહેવા દઉં છુ અને તમે તેને થોડા સમય માટે ધર્મસ્થાન માં આશરો નથી આપી શકતા?" ગામલોકો અને મહંત ને ભૂલ સમજાતા તે વ્યક્તિ ને અંદર આશ્રય આપ્યો."



પ્રભુ ખુબ દયાળુ છે. તેનામાં માનનાર કે નહિ માનનાર સર્વે ને સમાન હક થી જીવન આપે છે. જ્યાં સુધી તને ભગવાનમાં માનો છો તેનો સવાલ છે ત્યાં સૂધો ઠીક છે નહિ તો  જે સમયે "પ્રભુ તમારામાં માને છે કે નહિ" તે વાત આવે છે ત્યારે જીવન ની યથાર્થતા સિદ્ધ થાય છે. આ દુનિયા માં અનેક લોકો છે કે જેઓ ખુબ ધનવાન છે પરંતુ તેમનું જીવન કદી પ્રભુ ભક્તિ માં પસાર થતું નથી. તેમનું ધન પણ પ્રભુ ના કર્મમાં વપરાતું નથી. જેમનું જીવન પ્રભુ ભક્તિ માં કામ લાગે છે કે જેમનું ધન પ્રભુ ભક્તિ માં કામ આવે છે તેઓ બડા બડભાગી છે. કારણ કે તેમની સેવા લેવી તે પ્રભુ ની ઈચ્છા હોય છે. અને એક રીતે કહીએ તો ચાલે કે નાસ્તિક કે આસ્તિક બનવું તે પ્રભુ ની ઈચ્છા ની બાબત છે.અને પ્રભુની લીલાનું  આંખે જોયેલ અને જાતે અનુભવેલી દ્રષ્ટાંત રજુ કરું છુ..


"વૈષ્ણવ હોવાના નાતે દરેક વૈષ્ણવ જયારે ઠાકુરજીની આજ્ઞા થાય ત્યારે શ્રીનાથદ્વારની મુલાકાત લઈને  ઠાકોરજીના દર્શન કરીને ધન્ય થતો હોય છે. એક વાર  ખુબ જ સામાજિક અને ધાર્મિક રીતે ખુબ જ સંપન્ન અને સેવાભાવી વૈષ્ણવ શ્રીનાથજીના દર્શન કરવા માટે  શ્રી નાથદ્વારા ગયા. તેમની સાથે તમના મિત્ર પણ હતા તેમની સાથે ચર્ચા કરી તેમના મિત્રે ત્યાં મનોરથ કરાવવાની વાત કરી . તે વૈષ્ણવ ખુબ ધનિક હતા.  તેઓ નાથદ્વારા માં મનોરથ કરવા માટે તૈયાર ન થયા. પરંતુ જાણે કે પ્રભુએ તેમને જ મનોરથી બનાવવાનું નક્કી કર્યું હોય તેમ તેઓ જયારે ભેટ લખાવવા માટે મંદિરની ઓફીસ માં ગયા અને પછી બહાર નીકળ્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે તેઓના ખિસ્સામાંથી પૈસા પડી ગયા અને લગભગ ૧૦૦૦/- રૂપિયા તેમને ગુમાવ્યા. તેમને યાદ આવ્યું કે તેઓ મંદિરની ઓફિસમાં ભેટ લખાવવા માટે ગયા હતા. તેઓ ત્યાં ગયા અને જ્યાં ઉભા હતા ત્યાં નીચે આમતેમ તેમના પૈસા શોધવા લાગ્યા. દુરથી ખવાસ તેમને જોયા કરતો હતો. તેને તેમની પાસે જઈને કહ્યું " જયશ્રીકૃષ્ણ, કાકા તમે અહીં શું શોધો છે? શું કઈ ખોવાયું છે? પેલા કાકાએ તેના બધી વાત કરી. ખવાસ તેમને મેનેજર પાસે લઇ ગયો અને માહિતી આપી. મેનેજરે પૂછ્યું કાકા કેટલા રૂપિયા હતા? કાકા બોલ્યા "૧૦૦૦/- રૂપિયા" મેનેજરે તેમને પુછપરછ કરીને તે રૂપિયા પરત આપ્યા. અને જણાવ્યું કે અમને અહીંથી આ રૂપિયા મળેલ છે . કાકાએ તેમને ઇનામ આપવા કોશિશ કરી ત્યારે મેનેજર બોલ્યો.. " કાકા , આ રૂપિયા અમને નહિ ઠાકોરજી ને અર્પણ કરી દેજો" ... અને ખરેખર તે વૈષ્ણવે બીજા દિવસ નો સવારનો મંગલાભોગનો મનોરથ કરાવ્યો અને ઠાકોરજીએ સહર્ષ સ્વીકાર્યો. "

શું આ ઠાકોરજીની લીલા નથી? નહી તો શ્રીનાથદ્વારા મંદિર એટલે આખા ભારતવર્ષના સૌથી વધુ આવક્વાળું મંદિરમાનું એક છે. અને ઠાકોરજીને ક્યાં ખોટ છે? તેમને તો એક નહિ તો બીજા.. ચાંદી ને સોનાની થાળી માં ભેટ ધરનાર વૈષ્ણવો ની કમી નથી. અરે ઠાકોરજીને સ્વીકારવું ન હોય તો ગમે તેટલા ધનવાન હો તો પણ શ્રીનાથજી નથી જઈ શકતા. અને કદાચ જાઓ તો ઠાકોરજી તમારા રૂપિયા બીજા કામમાં વાપરવા દે પરંતુ તમને એટલી સદબુદ્ધિ ન આપે કે મંદિર માં મનોરથ કરવો. સલામ છે એ વૈષ્ણવ ને જેમને ઠાકોરજીએ સામેથી ચાલીને મનોરથ લખાવવાની પ્રેરણા આપી. ભલે તે વૈષ્ણવ કરકસરવાળો હશે પરંતુ   એ વૈષ્ણવની ઠાકોરજી માટેની ઉંચી ભાવના હશે   ત્યારે જ ઠાકોરજી આવી લીલા કરી શકે. અને તે વૈષ્ણવને ઠાકોરજીમાં શ્રદ્ધા હશે તેના કરતા  ઠાકોરજીને તે વૈષ્ણવમાં વધારે શ્રદ્ધા  હશે.