about

Saturday, February 20, 2010

તાર્કિક રીતે કે સાત્વિક રીતે......... પણ અમે ઉમરેઠ આવી ગયા........

વાત મારા વિવાહ થયા તે સમયની છે.. પરંતુ જયારે તમારી પાસે પ્રભુના પરચાની વાતો થઇ હોય ત્યારે આ વાતનો ઉલ્લેખ ના કરુ તો તે વાત અધૂરી રહે. અને આ એટલા માટે જાણવું છું કે આ મારો પોતાનો અનુભવ છે. જેને તાર્કિક અને ધાર્મિક બંને રીતે મૂલવવામાં આવે તો બંને રીતે સમજી શકાય તેવું છે. આ અનુભવ વિષે જાણું તે પહેલા એક સાંભળેલી વાત જણાવું.

એક નાવમાં સ્વામી વિવેકાનંદ અને તેમના શિષ્યો તથા બીજા યાત્રિકો મુસાફરી કરી રહ્યા હતા. લગભગ નાવ મધદરિયે હતી. અચાનક દરિયા માં તોફાન આવ્યું અને દરેક વ્યકતી ગભરાઈ ગયા. દરેક નાં હૃદય માં થડકાર હતો કે બસ આજે તો ગયા......
અચાનક સ્વામી વિવેકાનંદે દરેક ને કહયુ કે .:" દરેક જણ શાંતિથી પોતપોતાની જગ્યાએ બેસી જાઓ અને પ્રભુનું સ્મરણ કરો."
ભગવા કપડા જોઈને દરેક ને તેમના પર વિશ્વાસ બેઠો અને દરેકે તેમના આદેશાનુસાર પોતાનું સ્થાન ગ્રહણ કરીને પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ કર્યું. અને આ બાજુ તોફાન શમી ગયું અને પછી તે નાવ પણ બચી ગઈ અને દરેકે પોતાની યાત્રા સુખરૂપ પૂર્ણ કરી પોતપોતાના ગૃહે પ્રયાણ કર્યું.  દરેક જતી વખતે સ્વામી વિવેકાનંદ નો આભાર માનતા ગયા. 
એક શિષ્યે સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી આપની કૃપાદ્રષ્ટિનાં કારણે બધા બચી ગયા."
ભારતનો દરેક વ્યક્તિ જાણે છે  કે સ્વામીજી જાતે કોઈ ચમત્કારમાં માનતા નહોતા.
તેમણે કહ્યું :" ખરેખર કોઈ ચમત્કાર થયો નથી. આ જે થયું તે દરેકની  શ્રદ્ધા અને શિસ્તના કારણે થયું છે." શિષ્યોને પુછુ :" કેવી રીતે?"
સ્વામીજી:" બેટા , દરિયામાં તોફાન થયું હતું . પણ એટલું બધુ ભયાનક નહોતું કે તેનાથી ડરી જવાય. પરંતુ બધા હાફળાફાફળા થઇ ગયા અને ઉભા થઇ ગયા એટલે નાવનું બેલેન્સ હાલકડોલક થઇ ગયું. મેં તેમને પ્રભુમાં શ્રદ્ધામાં રાખીને પોતાની જગ્યાએ બેસવા કહ્યું. દરેક જણ શિસ્ત જાળવીને બેસી પણ ગયા. એટલે નાવનું બેલેન્સ જળવાઈ ગયું. અને પછી બધાએ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ કર્યું. તેથી દરેકનું મન પણ શાંત થઇ ગયું અને બધા તે શ્રદ્ધાના સહારે બેસી રહ્યા. જે નાવને તોફાનમાંથી બહાર નીકળવામાં કામમાં આવ્યું. અને પછી તો જે થયું તેમાં થોડો શ્રદ્ધાનો પણ વિષય રહ્યો. અને બસ... કામ પાર પડી ગયું."

બસ આજ વાત છે . વિજ્ઞાન એમ કહેશે કે બધા બેસી ગયા અને શિસ્ત પણ જાળવી એટલે બેલેન્સ જળવાયું એટલે નાવ બચી ગયી. પરંતુ ધર્મ એમ કહેશે કે " ના, આ તો પ્રભુ કૃપાની વાત છે. બધા બેસી તો ગયા પરંતુ તો સમુદ્રી તોફાન વધારે ભયાનક બન્યું હોત તો?  તેવું નાં બન્યું કારણકે દરેકે શ્રદ્ધાથી પ્રભુની શરણમા જઈને જીવન બચાવવા પ્રાર્થના કરી. એટલે પ્રાર્થના નાં કારણે જ્ બધા બચ્યા." પરંતુ જે હોય તે પણ સાત્વિક કે તાત્વિક ગમે તે રીતે વિચારો, પરંતુ એક હકીકત છે કે બધાના જીવ બચી ગયા.
અને આવો જ એક અનુભવ મારા જીવનનો પણ છે .. જેને સાત્વિક અને તાત્વિક બંને રીતે વિચારો તો બંને વિચારધારા સાચી લાગે.

       મારા એન્ગેજમેન્ટ થયા હતા અને અમારું ફેમીલી દ્વારકાધીશજીના દર્શન માટે દ્વારકા મુકામે ગયા હતા.હું મુમ્મી-પપ્પા, રચના અને અમારો તે વખતનો વિશ્વાસુ ડ્રાઈવર દિનેશ. અમારી પાસે ફિયાટ ગાડી હતી અને તે લઈને અમે દ્વારકા ગયા હતા. રાજકોટ , સોમનાથ વગેરે જગ્યાએ ગયા પછી અમે દ્વારકા ગયા. અને ઉમરેઠ આવવાને લગભગ ૬ કલાક બાકી હતા. સાંજના ૭-૦૦ વાગ્યા હતા. અને શું થયું ખબર નહિ પણ અચાનક ગાડીની હેડલાઈટ બંધ થઇ ગયી. ૭-૦૦ વાગ્યા પછી તો એકદમ અંધારું થઇ ગયું. અમારા બધાના શ્વાસ થંભી ગયા. કારણકે ફેમીલી સાથે હોવાથી અમારે રસ્તામાં ઉભા રહી શકાય તેમ હતું નહી. અને લાઈટ રીપેર કરવા માટે અમારે કોઈ મોટા સ્થળે રાત્રીરોકાણ કરવું પડે અને તેના માટે અમારે ત્યાં પહોચવું જરૂરી હતું. અને તે માટે અમારો ડ્રાઈવર દિનેશ ત્યાંથી પસાર થતી ગાડી ની લાઈટ નાં સહારે ગાડી ચલાવી રહ્યો હતો. અને લગભગ ૮૦-૯૦ કી.મી.ની ઝડપે કારણકે તે ગાડીની ઝડપ તેટલી જ્ હતી.  અચાનક મેં અને રચનાએ એક ટેક લીધી . " કે જો આપણે સુખરૂપ ઉમરેઠ પહોચી જઈએ તો ડાકોર રણછોડજીના દર્શન કર્યા વગર એકબીજાને સ્પર્શ કરવો નહિ. " અને તમે નહિ માનો... ખરેખર જેવી અમે ટેક લીધી કે તરત જ હેડલાઈટ ચાલુ થઇ ગયી. 
આ વાત એટલા માટે કહી રહ્યો છું કે મને બરાબર યાદ છે . અમે જેવું વાક્ય પૂર્ણ કર્યું કે તરત જ લાઈટ ચાલુ થઇ ગયી. અમે રાત્રે ૨-૦૦ વાગે ઘરે આવ્યા હતા પરંતુ સવારે વહેલા ઉઠીને પહેલા રણછોડજીના મંગલાનાં દર્શન કરી આવ્યા. કારણકે હૃદય કહેતું હતું કે ભલે આ કામ મશીનરી ને લગતું હોય પરંતુ પ્રભુકૃપા વગર તે શક્ય નહોતું.


પરંતુ...

જે લોકો મશીનરી નાં જાણકાર છે તેઓને ખબર પડી ગઈ હશે કે અમારી ગાડીની હેડલાઈટ કેમ ચાલુ થઇ ગઈ?  ધર્મ તેને ભગવદ્કૃપા ગણે પરંતુ તાર્કિક રીતે ગણો તો તેનો ખુલાસો આ પ્રમાણે પણ થઇ શકે...
પહેલા ની ગાડી માં ડાયનેમો આવતો હતો . જેના પર ગાડીની ઈલેટરિક    સિસ્ટમ નો આધાર રહેતો. અને તેને ચાર્જ પણ કરવો પડતો. જેમ ગાડી ચાલે તેમ બેટરી નાં સપોર્ટથી તે ચાર્જ થતો. તેના માટે ગાડી લગભગ ૬૦-૭૦ કી.મી.ની ઝડપે ચાલે તો વધારે સારી રીતે ચાર્જ થાય તેમ કહેવાતું.  હવે બન્યું એવું કે દિનેશે ગાડીને બીજાની ગાડીની હેડલાઈટના આધારે ચલાવવા માટે લગભગ ૮૦-૯૦ કી.મી.ની સ્પીડે ચલાવી. અને ડાયનેમો ચાર્જ થવા લાગ્યો. સ્પીડ વધારે હતી તેથી તે જલ્દી ચાર્જ થયો. અને મેં અને રચનાએ તે જ્ સમયે ટેક લીધી. તે દરમિયાન ડાયનેમો ચાર્જ થઇ ગયો . અને તરત જ્ લાઈટ ચાલુ થઇ ગયી.
જે હોય તે... પરંતુ પ્રભુનું નામ લેતા જ આપણું  કામ થઇ ગયું બસ એ જ્ વાત પ્રભુ પર વિશ્વાસ અપાવવા માટે પુરતી છે. કારણકે ભલે દુનિયા ની કોઈ પણ સિસ્ટમ હોય પરંતુ તે આખરે તો તેને જ આધીન છે... બસ ..... પ્રભુજી આપ  અમારો આપનામાં વિશ્વાસ આમ જ બનાવી રાખશો. કારણકે અમે તમારામાંથી  વિશ્વાસ ગુમાવીશું તો તમને કોઈ ફરક નહિ પડે. જે નુકસાન થશે તે અમારું જ થશે... એટલે ફરીથી પ્રભુ ને તેમની શરણમાં રાખવાની પ્રાર્થના કરતાં  ..  વિરામ લઉં છું... આભાર ...

જય શ્રી કૃષ્ણ..

1 comment:

  1. ખુબ જ સરસ..પ્રભુને સાચે કંઈ જ ફર્ક નહી પડે.જે ફર્ક પડે તે આપણને જ પડે છે.દોસ્ત..તમે બહુ સરસ લખો છો.એક્દમ દિલમાંથી જ શબ્દો કાગળ પર ફેલાઈ ગયા હોય તેવું લાગ્યું..કીપ ઈટ અપ.

    ReplyDelete