about

Monday, April 26, 2010

પ્રભુના અદભૂત દર્શન નો લાભ.. .. અધિક માસ માં...

આમ તો બ્લોગ એટલે પોતાના અંગત અનુભવો વ્યક્ત કરવાનું માધ્યમ છે. અને તેના માટે જ આ બ્લોગ "રચના" ઉપર ઘણી વખત મારા અંગત અનુભવોનૂ વર્ણન કરતો હોઉં છું .. આજની આ પોસ્ટ લખવાનું એક કારણ એ પણ છે કે . જે પ્રભુના દર્શનનો અનન્ય લાભ આજે મળ્યો છે . તે કદાચ આ પહેલા મળ્યો નથી..  દરેક સેલીબ્રિટીઝ  પોતાનો બ્લોગ લખે ત્યારે તેમના અનુભવો જ લખતા હોય છે . જયારે અમારા જેવા સામાન્ય બ્લોગર  પોતાના બ્લોગ માં પોતાના વિચારો વ્યક્ત કરીને પોતાની આવડત અને લેખન કલાને વાચા આપતા હોય છે.. પરંતુ આજ રોજ આ અધિક વૈશાખ માસમાં પ્રભુના દર્શનનો જે લાભ મળ્યો છે એટલે ખરેખર હું ધન્ય બન્યો છુ .. અંતે એટલે  જ મારો આજનો અનુભવ આપની સમક્ષ્ પોસ્ટ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ..

અધિક માસ .. ( પુરુષોત્તમ માસ) એટલે શું..?

દરેક ગુજરાતી માસને પોતાનો આગવો દરજ્જો મળેલો છે. અને કહેવાય છે કે તે દરજ્જો  પ્રભુ એ નક્કી કરેલો છે. શ્રીમદ ભાગવત ગીતામાં લખેલું છે કે દરેક માસની સામે .પુરુષોત્તમ માસ  ( અધિક મહિનો) ને કોઈ દરજ્જો ન મળતા તે પ્રભુ પાસે જઈને વિનંતી કરવા લાગ્યો કે .. "પ્રભુ . એક તો હું ૩ વરસે એક વાર આવું છુ. તો  મારું મહત્વ  નથી. તદુપરાંત આપે મને કોઈ દરજ્જો આપ્યો નથી એટલે મારું મહત્વ તો રહેતું જ નથી.. " એટલે પ્રભુએ તેને જણાવ્યું.. " તું ભલે  ૩ વરસે એક વાર આવે .. પણ તારું આગવું મહત્વ છે .. અને લોકો તને પુરુશોત્તમ માસ તરીકે ઓળખશે. અને તારો ભલે કોઈ દરજ્જો નથી. પરંતુ પુરુષોત્તમ માસ નિમિત્તે લોકો તારા દરેક દિવસ ને પોતાના આગવા ભક્તિભાવ સ્વરૂપે ઉજવશે. અને તારા દિવસોમાં ભક્તિભાવ કરનાર ને અનેકગણું ફળ મળશે."
અને ખરેખર પુરૂશોત્તમ માસના દરેક દિવસને એક મનોરથ તરીકે ઉજવાય છે. તે માસ માં દરેક તિથીનું જે મહત્વ હોય તે રીતે જ ઉજવવામાં આવે છે. દાખલા તરીકે..  પુરુષોત્તમ માસની વદ આઠમને જન્માષ્ટમી તરીકે ઉજવીને મનોરથ કરવામાં આવે છે. તે જ રીતે વદ તેરસને શૈવપંથી શિવરાત્રી તરીકે ઉજવી જ શકે. સવાલ ફક્ત તમારી શ્રદ્ધાનો છે.
તાર્કિક રીતે જોવા જઈએ તો .. આખા વર્ષના ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર ( જે આપને રોજ વાપરીએ છીએ) વર્ષમાં ૩૬૫ દિવસ આવે છે. પરંતુ તેને જો ગુજરાતી કેલેન્ડર સાથે મેચ કરવામાં આવે તો . દરેક ગુજરાતી માસ ૩૦ દિવસનો જ હોય. તેમાં પણ ઘણી તીથીઓ નો ક્ષય હોય અથવા કોઈ તિથી ૨ વાર પણ આવતી હોય છે. .. પરંતુ . ૩૦ દિવસ પ્રમાણે દર વર્ષે તેના ૩૬૦ દિવસ ગણાય. આમ દર વર્ષે ૫ દિવસનું એડજસ્ટમેંટ કરવું જ પડે. એટલે ૩ વર્ષના ૧૫ દિવસ થાય. ઉપરાંત તીથીઓનો લોપ થતા . લગભગ ૩૦ દિવસ નો વધારો દરેક ૩ વર્ષે આવે.. અને તે કારણથી એક અધિક મહીનો મળે છે.
આમ ધાર્મિક અને તાર્કિક રીતે આપણને જે ૧ મહિનો વધારે મળે . તેમાં જેટલું ધાર્મિક કાર્ય કરી શકાય તેટલું કરવું તેવી પ્રણાલી છે. .. અને તે મહિનામાં કરતુ પુણ્ય વધારાનું ગણાય તેવી માન્યતા છે .
આવા અધિક માસમાં દર્શનનો લાભ મળે તે પણ અનન્ય હોય છે. અને આજ રોજ ઠાકુરજીને પણ ખૂબ જ લાડ લડાવવામાં આવતા હોય છે. આમ પણ પુષ્ટિમાર્ગમાં ઠાકુરજીને બાળક ભાવથી સેવા કરવામાં આવે છે એટલે જ વધારે લાડ લડાવવામાં આવતા હોય છે.

ઠાકોરજીના દર્શનનો અનન્ય લાભ..

આજ રોજ અધિક માસની ચૌદસ અને કાલે પૂનમ છે. આજે સોમવાર હોવાથી અમે ડાકોર ના ઠાકોર શ્રી રણછોડરાયજીના દર્શનનો અનન્ય લાભ લીધો. રચના , કુશલ અને યશસ્વી વેકેશન પર હોવાથી હું અને મમ્મી પપ્પા દર્શન માટે ગયા હતા. અને સાંજનો સમય હતો .. અને સ્વાભાવિક રીતે શયનના દર્શનનો જ સમય હતો. મંદિર માં ભીડ જોઈને એક વાર તો અંદર જવાની હિંમત ન ચાલી .. પણ થોડી વાર પછી ભીડ ઓછી થતા .. અમે અંદર દર્શન કર્યા. વાહ.. એકદમ અદભૂત દર્શન .. કારણકે દરરોજ આવા જ દર્શન હોય છે .. ભક્તો મશાલ લઈને ઉભા રહે છે. દરેક જણ મશાલની જ્યોત પકડીને પણ ધન્ય બને છે.. બધું જ.. પરંતુ વાત જયારે પુરુષોત્તમ માસની હોય ત્યારે..?? આ આનંદ બેવડાઈ જાય. અને વળી પાછુ . શયન ના દર્શન માં જે સમૂહ ગાન થાય છે.. " તમે પોઢોને રણછોડરાય.." તેની થોડી ઘણી લાઈનો આવડે છે એટલે .. શ્રી રણછોડરાયજીના સન્મુખ થઈને તે ગાવાનો આનંદ .અને પુરુષોત્તમ માસ.. (મને કુશલ યાદ આવી ગયો..કારણકે તેને આ ગાન બહુ ગમે છે..)... ખરેખર ખૂબ સૂંદર દર્શન , અને સાથે સાથે મંદિરની પરિક્રમા તો ખરી જ .. વાહ..
ડાકોર થી પરત આવતા આવતા .. અમારા ઉમરેઠના હવેલી મંદિર માં "પુષ્પવિતાન " મનોરથ હતો. ઉમરેઠમાં ૩ હવેલી મંદિર છે. એક મોટું મંદિર. બીજું શ્રી દેવકીનન્દ્જીનું અને ત્રીજુ મગનલાલજીનું . આ ત્રણે ય મંદિરના ઠાકોરજી એક જ .."મોટા મંદિરમાં" બિરાજ્યા  હતા.. અને .. લગભગ રાત્રે ૮ વાગ્યાનો દર્શનનો સમય હતો.. પરંતુ દર્શન થયા.. ૯.૩૦ વાગે.. અને ઉમરેઠ માં સૃષ્ટી ધરાવતા પંચમ પીઠાધીશ્વર શ્રીમદ વલ્લભાચાર્યજી પણ પધાર્યા હતા. મોડું થયું ..પરંતુ જયારે દર્શન ખુલ્યા ... ફરીથી એક જ શબ્દ..વાહ .. અદભૂત . મહારાજશ્રી ની હાજરી .. ઉપરાંત ત્રણે મંદિરના ઠાકૂરજી  .. અને પુરુષોત્તમ માસ.. વાહ.. અલૌકીક દર્શન થયા..
બસ પ્રભુજીની આવીને આવી કૃપા બની રહે ... અને દર્શનનો લાભ મળતો રહે.. તેવી પ્રભુને પ્રાર્થના કરું છુ..

Wednesday, April 14, 2010

શું પસંદ કરશો? . તમારો પોતાનો "બ્લોગ" કે "વેબસાઈટ"..?

છેલ્લા ઘણા સમયથી મારા બ્લોગ "પ્રાર્થના" પર મેં પોસ્ટ મૂકી નથી. અને ઈચ્છા હતી કે આ પોસ્ટ "પ્રાર્થના"  બ્લોગ પર મૂકું. પરંતુ પછી તેના વિષય વિષે વિચાર કર્યા પછી આ પોસ્ટ મને "રચના" . એટલે કે આ બ્લોગ માટે વધારે સંલગ્ન લાગી. અને મેં નિર્ણય કર્યો કે આ બ્લોગ પર જ આ પોસ્ટ મૂકવી.
અત્યારના સમયમાં ઈન્ટરનેટ એટલે સૌથી સબળ માધ્યમ છે. અને તેમાં પણ પોતાની જાતને રજૂ કરવાનું સૌથી અનોખો રાહ એટલે .. બ્લોગીંગ. . બ્લોગ દ્વારા વ્યક્તિ પોતાને રજૂ કરી શકે છે. અને બીજી સૌથી સબળ રજૂઆત " વેબસાઈટ" દ્વારા કરી શકાય છે. બ્લોગ પણ એક પ્રકારની વેબસાઈટ જ છે પરંતુ વેબસાઈટ માં વ્યક્તિને પોતાનું ડોમેઈન મળે છે. જયારે બ્લોગ પર કોઈ વેબસાઈટ પર વ્યક્તિએ પોતાનું ડોમેઈન રજીસ્ટર કરવાનું હોય છે. આમ એક રીતે બ્લોગ કરતા વેબસાઈટ વધારે સ્વતંત્ર હોય છે કારણકે બ્લોગ પર જે તે વેબસાઈટ નું નિયંત્રણ હોય છે , જયારે વેબસાઈટ પર એવું કોઈ નિયંત્રણ હોતું નથી..ઈન્ટરનેટ પર બ્લોગ અને વેબસાઈટ ને વ્યક્તિની પોતાની રચના કહી શકાય. પરંતુ ઘણી વાર બેમાંથી કોઈ એક ની પસંદગી કરવામાં આવે તો ..?? શેની પસંદગી કરવી?

" એક વાર રાજકપૂરે પોતાના ઇન્ટરવ્યું માં કહ્યું હતું... મને આમ તો મારા બનાવેલા બધા જ પિક્ચર પસંદ છે , પણ  જેમ માતાને પોતાનું અપંગ બાળક સૌથી વધારે વહાલું હોય છે તેમ મારા દિલની સૌથી  નજીક મારું વહાલું પિક્ચર .. "મેરા નામ જોકર " છે. કારણકે દિલથી મહેનત કરવા છતાં તે પિક્ચર સુપર ફ્લોપ ગયું હતું "

આ પોસ્ટ લખવાનો વિચાર આવ્યો , કારણકે મારા મિત્ર એ મને જણાવ્યું કે " હું , બ્લોગ લખવા કરતા મારી પોતાની વેબસાઈટ શરુ કરું.." વિચારોની ગડમથલની શરૂઆત થતા , દિમાગ કરતા દિલથી વિચારતા મારું મન અને હૃદય બ્લોગ તરફ જ વધારે ઢળ્યું. અને જે વિચારો મારા મનમાં ઉદભવ્યા તેને અહીં પોસ્ટ સ્વરૂપે આકાર આપ્યો છે.

વેબસાઈટ .. એ સબળ માધ્યમ તો છે જ. પરંતુ વેબસાઈટ બનાવતા પોતાની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે તો .... તેના વિશે કેટલીક હકીકત ભૂલી જઈએ છીએ..
  • વેબસાઈટ દિમાગથી લખવામાં આવે છે. તે દ્રષ્ટીએ તે સંપૂર્ણ પ્રોફેશનલ એપ્રોચ ધરાવે છે.
  • વેબસાઈટ પર કોઈ પણ વસ્તુ પોતાની મરજી મુજબ લખી શકાતી નથી . એટલે કે જે જાહેરમાં સ્વીકાર્ય હોય તે વસ્તુ જ તમે વેબસાઈટ પર રજૂ કરી શકો છો. જેમાં કદાચ તમારી સંમંતિ ન પણ હોય.
  • બ્લોગને કદાચ વેબસાઈટ કહી શકો , પરંતુ વેબસાઈટ ને બ્લોગ કદાપી કહી શકાય નહિ..
  • વેબ પર તમે પોતાના વિચારોની રોજનીશી બનાવી શકો નહિ.
  • વેબસાઈટ ને ફક્ત કમાણીના હેતુ થી જ બનાવવામાં આવે છે.
  • વેબસાઈટ ના માલિકને એક બ્રાન્ડ કે ઓર્ગનાઈઝેશન તરીકે જ વિચારવામાં આવે છે.
જયારે બ્લોગ... એટલે શું?
  • વ્યક્તિ પોતાના વિચારોને શબ્દ સ્વરૂપ આપે છે અને તેને પોતાના બ્લોગમાં રજૂ કરે છે. એટલે બ્લોગ એ મોટાભાગે દિલથી લખાયેલ હોય છે. અને તેથી જ બ્લોગ એ વેબસાઈટ કરતા દિલની વધારે નજીક હોય છે.
  • બ્લોગ પર તમે કમાણી કરવાનો હેતુ ન હોય , તો પણ તમે તેને વરસો વરસ ચલાવી શકો છો.
  • પોતાના વિચારોની રોજનીશી સ્વરૂપે તમેં બ્લોગનો ઉપયોગ કરી શકો છો.
  • બ્લોગ પર તમે પોતાના અંગત વિચારો રજૂ કરી શકો છો. ભલે તે સર્વ સ્વીકાર્ય ન હોય.. અને એ રીતે બ્લોગ એકદમ અંગત બાબત બની શકે છે.
  • માણસના વ્યક્તિત્વની ઓળખ બની શકે છે.
  • એક બ્રાન્ડ કે ઓર્ગેનાઈઝેશન ના વ્યક્તિઓને પોતાના વિચારો રજૂ કરવા બ્લોગ ઉપયોગી થઇ પડે છે.
  • બ્લોગ એ પોતાના  વ્યક્તિઓ સાથે સીધા સંપર્કનું માધ્યમ બની શકે છે..
બ્લોગ વિષે આટલા બધા ફાયદા વિષે સમજીને જ કદાચ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાની વેબસાઈટ નહિ પણ બ્લોગ લખે છે. બીજા ઘણા સેલીબ્રીટીઝ પણ બ્લોગીંગ કરે છે. પરંતુ અમિતાભ બચ્ચનના બ્લોગ વિષે લખવાનું કારણ છે કે  . તેઓ આટલા મોટા સ્ટાર  હોવા છતાં પોતાના બ્લોગની પોસ્ટ પોતાની જાતે જ લખે છે. જે બીજા સેલીબ્રીટીઝ કરતા નથી. આમ પણ તેઓ કવિ શ્રી હરિવંશરાય બચ્ચન ના પુત્ર હોવાના નાતે ભાષા પર અનોખું પ્રભુત્વ ધરાવે છે , જે બહુ ઓછા પાસે હોય છે. ( અમિતાભ વિષે વાતો ફરી કોઈ વાર કરીશું).

હું તો ફક્ત આ "રચના" બ્લોગમાં એક જ વાત જણાવવા માંગું છું કે ઘણા લોકોએ પોતાના બ્લોગ અને વેબસાઈટ ની રચના કરી હશે. દરેક ને પોતાની અંગત રચના પસંદ જ હોય છે. પરંતુ હું દરેક ને વિનંતી કરીશ કે પોતાની અંગત રચનાના તફાવતને ઓળખીને , વેબસાઈટ માટે તમારા સૌની દિલની નજીક હોય તેવા બ્લોગ પર બ્લોગીંગ કરવાનું છોડશો નહિ.. બ્લોગ એ તમારી આગવી ઓળખ બની રહે છે તે સનાતન સત્ય છે. ...

"હેપ્પી બ્લોગીંગ..."

Monday, April 5, 2010

વેદો ની દ્રષ્ટીએ...

દિવ્ય ભાસ્કર પેપર માં ૫ મી એપ્રિલ ૨૦૧૦ ની પુરતી ધર્મ દર્શન માં સુંદર લેખ છે. જેમાં વેદ અને જીવન કોલમમાં જ્ઞાનેશ્વરાચાર્ય ( દર્શનાચાર્ય) નામના લેખક ખુબ રસપ્રદ રીતે વેદમાં લખાયેલી વાતોનો ઉલ્લેખ કરે છે.  દિવ્ય ભાસ્કરની આવી સુંદર પુરતી અને આટલા સુંદર લેખ સમાજને સ્વસ્થ અને ધાર્મિક બનાવવામાં એક રીતે સુંદર પ્લેટફોર્મ પૂરું પડે છે.
આ લેખની થોડી ચર્ચા કરવા માંગું છું. આશા રાખું છુ કે સમાજોપયોગી આવી પૂર્તિમાં આવતા લેખની ચર્ચામાં દિવ્યભાસ્કરને તંત્રી કે તે કોલમના લેખકશ્રીને કોઈ વાંધો નહિ હોય.

" अकर्मा  दस्युरभी नो अमंतुरन्यव्रतो अमानुष: त्वं तस्याडमित्रहन वधर्दासस्य   दम्भय ll"
અકરમા- એટલે કે  પુરુષાર્થ વિનાનો પુરુષ અસુર(દસ્યુ)  છે. અને તે નુકસાન કરે છે . દુષ્ટ બુદ્ધિ વાળા મનુષ્યો દસ્યુ છે . આવા લોકો ન કેવળ ફક્ત જીવનને દુ:ખી  બનાવે છે પરંતુ પોતાની દુષ્ટતાથી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિષયના મનુષ્યોને પણ દુ:ખી કરે છે.
આમાં આવા "દસ્ય"  પુરુષોની અલગ અલગ કક્ષા પાડવામાં આવી છે. જેમ કે ..
પ્રથમ કક્ષા " અકરમા" .. એટલે કે તેઓ પુરુષાર્થ કાર્ય વિના વાકચતુરાઈ , બુદ્ધિ ચાતુર્ય થી , છળકપટ , પ્રલોભન વગેરે અનૈતિક સાધનોથી ભોગસામગ્રી પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે.
દ્વિતિય કક્ષા "અમંતુઃ " એટલે કે જે લોકો પોતાના વર્તન કે વ્યવહારથી સમાજ , રાષ્ટ્ર કે દુનિયા પર શું અસર પડશે તેનો લામ્બો વિચાર કર્યા વિના સ્વચ્છંદી વ્યવહાર અને વર્તન કરે છે. .
ત્રીજા પ્રકારના દસ્યુ... એટલે "અન્યવ્રતઃ"..જેઓ નાસ્તિક હોય છે. અને ઈશ્વરને માનતા નથી, કર્મફળને , પાપ કે પુણ્યને કશાને માનતા નથી. માત્ર ધન પ્રાપ્ત કરીને પાંચ ઇન્દ્રિયોના વિષયભોગોને ભોગવવાની ઈચ્છા રાખે છે અને તેઓ દારૂ , માંસ , વ્યભિચાર , હિંસા અને ખરાબીઓથી પરેજ કરતા નથી. ઉપરાંત અહિંસા, સંયમ, ત્યાગ , તપસ્યા, ઈશ્વર , સાક્ષાત્કાર , મોક્ષ વગેરે માન્યતાઓને માનતા નથી .તેઓ ફક્ત આકસ્મિક જીવનને જ જુએ છે. અને તેને કોઈ પ્રભુ જેવી શક્તિ ગોઠવે છે તેમ માનતા જ નથી.
ચોથી કક્ષા છે. .. "અમાનુષ ".. જેઓ અંત્યંત ક્રૂર હોય છે. ધન , ભોગ અને સુખ સગવડ માટે કોઈ વ્યક્તિની હત્યા કરી નાખે છે. ઈજ્જત લુટે છે. આ દસ્યુ એટલે કે રાક્ષસો તામસી પ્રકૃતિ વાળા હોય છે. તેમના કર્યો પશુઓથી પણ હિંસક હોય છે.
આટલી કક્ષાઓના વર્ણન બાદ. પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે...
હે પરમેશ્વર.. આપતો આવા દસ્યુઓનો  વિનાશ કરી દંડ આપો છો.. પણ અમને એવી શક્તિ ,સાહસ , અને બળ આપો આવા દસ્યુઓનું દમન કરી શકીએ. તેમને  રોકવા માટે અમે સુસંગઠિત થઈએ . કારણકે આ સમાજમાં સજ્જનોની સંખ્યા વધુ છે પણ તેઓં સંગઠિત નથી. "દુર્જનો સફળ થાય છે કારણકે સજ્જનો સક્રિય થતા નથી. અને આ સમાજને , રાષ્ટ્રને અને દુનિયા ને દુર્જનોની સક્રિયતા કરતાં , સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ભારે પડે છે." અને ખરેખર આ લેખમાં અને જે વાક્ય લખવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે " આવા દસ્યુઓના વિનાશને માટે કોઈ આયોજન અને તેના માટે તન, મન અને ધનનો ત્યાગ કરવામાં ન આવે ( મતલબ તેમનો ઉપયોગ કરવામાં ન આવે) તો આવા થોડા જ દસ્યુઓ , અધિક સંખ્યાવાળા ભલા મનુષ્યોને દુઃખ પહોચાડતા રહે છે , એટલા માટે કૃપા કરીને અમોને સંગઠિત થવામાં , એક સમાન વિચાર, સીધ્ધાંત તથા આયોજન કરવા પ્રેરિત કરો અને સમાજ રાષ્ટ્રમાંથી આ દસ્યુઓના વિનાશ માટે સર્વસ્વાની આહુતિ દેવા અમોને પ્રેરિત કરો. એવી અમારી આપને વિનમ્ર પ્રાર્થના છે.."

ઉપર મુજબનો જે લેખ ખરેખર સમાજને લાભકર્તા છે અને સમાજને માટે આંખ ઉઘાડનાર છે. હું સ્વીકારું છુ કે આ પોસ્ટ એ "દિવ્ય ભાસ્કર " અખબારની તા-૦૫-૦૪-૨૦૦૧૦, સોમવારની ધર્મદર્શન પૂર્તિની કોલમ "વેદ અને જીવન " પરથી લેવામાં આવી  છે. તેના કારણે મારો બ્લોગ તો સમૃદ્ધ તો થયો જ છે પણ તે ખરેખર સમાજોપયોગી હોવાથી મેં તેને પોસ્ટ સ્વરૂપે પ્રકાશિત કર્યો છે. જેના લેખક ગ્યાનેશ્વરાર્યજી (દર્શાનાચાર્ય)  છે. વેદની કોઈ વાત મારા શબ્દોમાં રૂપાન્તરિત કરતા કોઈ ભૂલ નાં થઇ જાય તે કારણથી ઘણો ખરો લેખ તેના તે જ સ્વરૂપે રાખ્યો છે. દિવ્યભાસ્કરના તંત્રી કે આ લેખના લેખકને વાંધો હશે તો હું આ પોસ્ટ તરત જ ડીલીટ કરી દઈશ.
આપ મારો paryank2009@yahoo.com ઉપર મારો સંપર્ક કરી શકો છો..

Sunday, April 4, 2010

"પ્રભુ સમક્ષ કરેલ દીવો"

જોગાનું જોગ આજ રોજ મને મારા મિત્ર મળી ગયા જેમની વાતે મને આ પોસ્ટ લખવાની પ્રેરણા આપી. અને જેમાં વિજ્ઞાનના ત્રાજવે તોળેલી ધાર્મિક વાત (અથવા માન્યતા ) છે.

વાત એવી હતી કે

એ ભાઈને થોડો છાંટોપાણી કરવાની આદત ખરી. દરરોજ સવારે તેઓ પૂજાપાઠ કરે. ભગવાનને દીવો પણ કરે. એક વખત બન્યું એવું કે તેમને રાત્રે "ડ્રીન્કસ પાર્ટી" નું આમંત્રણ મળ્યું. અને આદતસે મજબૂર તેઓ ત્યાં ગયા. થોડું વધારે ડ્રીન્કસ લઇ લેવાતા . ઘરે આવીને સૂઈ ગયા. સવારે પોતાના રાતના કૃત્યને અફસોસ જતાવતા જતાવતા તેઓ પ્રભુનો દીવો કરવા લાગ્યા. અને અચાનક.. શું થયું??
તેમના હાથમાંથી તે સળગતો દીવો છટક્યો અને તેમના હાથ પર પડ્યો, થોડા દાઝ્યા પણ ખરા. તે બુઝાયેલા દીવાને લઈને ફરીથી પ્રગટાવી પ્રભૂ સમક્ષ ધર્યો.
તેમના મગજમાં વિચાર પ્રગટી ગયો.. જે ધાર્મિક રીતે મૂલવવામાં આવે તો સાચી વાત જ છે. કે "મેં ડ્રીન્કસ લીધું , જે ધર્મ વિરુદ્ધનું કૃત્ય છે. અને એટલે જ પ્રભુ મારી ઉપર કોપાયમાન થયા અને દીવો પડી ગયો, હું દાઝ્યો અને બુઝાઈ પણ ગયો.."

તદ્દન સાચી વાત છે . વેદમાં લખેલું છે કે દારૂ પીનાર વ્યક્તિ "દસ્યુ " એટલે કે રાક્ષસ ગણાય છે. અને ધાર્મિક માન્યતા સાચી પણ છે. અને કદાચ એટલે પ્રભુ કોપાયમાન થયા પણ હોય.. શ્રદ્ધાની વાત છે.
પરંતુ તાર્કિક રીતે અને વિજ્ઞાનના ત્રાજવે તોલીને આ વાત કરવામાં આવે તો...
"ભાઈ, તમે રાત્રે વધુ પડતું ડ્રીન્કસ લીધું, અને સુઈ ગયા. નેચરલી તેનો નશો ઉતારી ગયો હશે પરંતુ આપનું મગજ હજી તેની અસર અને ઘેનમાં થી બહાર આવ્યું નથી. અને કદાચ તેના કારણે જ દીવો પ્રગટાવ્યા પછી તમારાથી તેના પર કંટ્રોલ થયો નહિ હોય. અને તે જ કારણ હોઈ શકે કે તે દીવો પડી ગયો.. તમારા હાથ પર પડ્યો એટલે તમને તેની ઝાળ લાગી. અને પછી બુઝાઈ ગયો. "

હશે જે હોય તે ..

પણ જો ધાર્મિક રીતે પણ પ્રભુથી ડરીને ચાલવામાં આવે અને આ વાત સાચી માનવામાં આવે .... ઉપરાંત તાર્કિક રીતે પણ જોઈને તેના પ્રમાણે વર્તન કરવામાં આવે તો ..
બંને કેસમાં ડ્રીન્કસ લેવું કેટલુંક ખતરનાક સાબિત થઇ શકે તેનું નાનું ઉદાહરણ છે. ..
આશા રાખીશ કે આટલી નાની અમથી વાત નું બીજ આગળ જઈને વૃક્ષ બને  અને તેની છાયામાં આખો સમાજ તંદુરસ્ત સંબંધોનું નિર્માણ કરે.. 
આભાર ... જયશ્રી કૃષ્ણ ...